અમારા વિશે

🌿 શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન – કુવારવા આશ્રમ 🌿

શ્રી રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થાન, કુવારવા આશ્રમ, ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં, શિહોરીથી દિયોદર રોડ પર બે કિલોમીટર દૂર, કુંવારવા ગામે આવેલું એક પવિત્ર તીર્થસ્થાન છે. આ પવિત્ર આશ્રમ માત્ર એક ઈમારત નથી, પરંતુ આંતરિક જાગૃતિનો એક જીવંત સ્ત્રોત છે—એક એવું પવિત્ર સ્થાન જ્યાં માનવ પોતાનું સાચું સ્વરૂપ ઓળખે છે અને જીવનમાં દિવ્ય પ્રકાશનો અનુભવ કરે છે.

આ આશ્રમની સ્થાપના આજથી લગભગ ૪૦ વર્ષ પહેલાં થઈ હતી. આ આશ્રમ ના સંસ્થાપક અમારા સદગુરુદેવ પરમહંસ સ્વામી શ્રી ભૂરાનંદજી મહારાજ છે, જેઓ છેલ્લા ૫૦ વર્ષથી એક જ કાર્ય માં અડગ રહ્યા છે—આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર એવું જ્ઞાન, જેનું પુસ્તકોમાં ખાલી વર્ણન જ છે, પરંતુ જે જ્ઞાન અનુભવયુક્ત છે તેનો અનુભવ કરાવે છે.આ જ્ઞાનનો અનુભવ મહાન સંતો જેવા કે કબીરજી, તુલસીદાસજી, રહીમજી, મીરાબાઈ અને રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષોએ પણ કર્યો હતો ઈતિહાસમાં જેમ જેસલ જાડેજા જેવા ક્રૂર વ્યક્તિએ સતી તોરલના સંગ થી આ જ્ઞાનનો અનુભવ કરીને આ જ્ઞાન થી પ્રભાવિત થઈ ને હિંસક જીવન છોડી અને એના ભીતર પણ સત્ય, પ્રેમ અને કરુણા જાગૃત થઈ, અહિંસક બની ગયો તેમ આ આશ્રમમાં પણ અનુભવયુક્ત આધ્યાત્મિક જ્ઞાનનો પ્રચાર થાય છે।

હાલમાં આશ્રમના ગાદીપતિ સદગુરુદેવ શ્રી કરુણાનંદજી મહારાજ વિરાજમાન છે, જે ગુરુ પરંપરાના આ જ્ઞાનનો પ્રચાર કરી રહ્યા છે. એ પરંપરા જેનું વર્ણન ભાગવત ગીતા ના ચોથા અધ્યાયના પહેલાં બીજા અને ત્રીજા શ્લોક માં બતાવ્યું છે. ગુરૂદેવનો પણ મુખ્ય સંદેશ સાદો પણ ઊંડો છે—

“સ્વયંને ઓળખો, તમારા અંદરના દિવ્ય પ્રકાશને જાગૃત કરો અને જીવનને શાંતિ અને સચ્ચાઈ સાથે જીવો.”

આ જ્ઞાનનો ઉદ્દેશ કોઈ ધર્મ, પંથ કે પરંપરા ઉભી કરવાનો નથી, પરંતુ માનવને પોતાના લક્ષ સુધી પહોંચાડવાનો છે. ગુરુદેવ કહે છે કે જે દિવસે મનુષ્ય પોતાની સાચી ઓળખ મેળવી લે છે, તે દિવસથી દુઃખ, ભય અને અજ્ઞાનનો અંધકાર નાશ પામે છે। આ જ દિશા માં છેલ્લા ૪૦ વર્ષથી આ આશ્રમ હજારો જીવને પ્રેમ, શાંતિ અને પ્રકાશના માર્ગે દોરી રહ્યો છે। આજે પણ ગુરુગાદીપતિ પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કરુણાનંદજી મહારાજ ના માર્ગદર્શન હેઠળ આ આશ્રમ આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓથી ધમધમતો રહે છે.

🌼 સેવાકીય પ્રવૃત્તિઓ 🌼

આશ્રમમાં જ્ઞાન માત્ર શબ્દોમાં નહીં, પરંતુ સેવા દ્વારા જીવંત બને છે। ગુરુદેવની કરુણા અને દયાથી અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેમ કે:

  • હરિદ્વારમાં ચાલતું અન્નક્ષેત્ર – ભૂખ્યા માટે અવિરત ભોજન સેવા
  • રામ રસોડું – પ્રેમ, સ્વચ્છતા અને સાત્વિકતા સાથે ભોજન
  • સદાવ્રત – વર્ષભર અન્નદાન સેવા
  • ગૌશાળા – ગાયોની સંભાળ, સેવા અને સુરક્ષા
  • પંખી ઘર – પક્ષીઓ માટે પાણી અને દાણાની વ્યવસ્થા
  • જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, દવા, કપડા અને માર્ગદર્શન
  • પશુ-પક્ષી સુરક્ષા – ઈજાગ્રસ્ત અને નિરાધાર પ્રાણીઓની સેવા
  • પર્યાવરણ જાળવણી – વૃક્ષારોપણ અને પ્રકૃતિ રક્ષણ
  • નિરાધાર કૂતરાઓ માટે રોજિંદું ભોજન સેવા

આ સેવાઓ ગુરુદેવની અનંત દયા અને કરુણાનું જીવંત પ્રતિબિંબ છે।

🌸 આધુનિક સમયમાં આશ્રમની દિશા 🌸

આજે સદગુરુદેવ શ્રી કરુણાનંદજી મહારાજ આધુનિક સમયમાં પણ આ જ્ઞાનને નવી દિશામાં આગળ લઈ જઈ રહ્યા છે। તેમના માર્ગદર્શન હેઠળ:

  • આધ્યાત્મિક જ્ઞાનનો વ્યાપ વધારવો
  • લોકોના માનસિક તણાવ, ભય અને આંતરિક સંઘર્ષ દૂર કરવો
  • દર પૂર્ણિમાએ ભજન અને સત્સંગનું આયોજન
  • ગૌછાણ અને ગૌમૂત્રમાંથી ઉપયોગી ઉત્પાદનો (ધૂપ, ફિનાઈલ) બનાવવું
  • સંત પરંપરા દ્વારા જંગલી જડીબુટ્ટીઓમાંથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરી કોઈ પણ પ્રકારના રોગ નું નિવારણ કરવું.
  • આ બધા પ્રયત્નો સમાજમાં શાંતિ, સ્વસ્થતા અને માનવતાનું સંવર્ધન કરે છે।

🌿 આશ્રમનું વાતાવરણ 🌿

આશ્રમનું વાતાવરણ અત્યંત શાંત, ઊર્જાવાન અને આધ્યાત્મિક છે। અહીં ૫૦૦થી ૬૦૦ જેટલા લીંબડા, ચીકુ, પપૈયા અને અન્ય ઔષધીય વૃક્ષો છે। પક્ષીઓના કલરવથી આખું પરિસર રળિયામણું અને જીવંત બની જાય છે। ત્રણે તાપોથી પીડિત કોઈપણ વ્યક્તિ અહીં આવીને બેસે તો તેને આંતરિક શાંતિનો અનુભવ થાય છે।

✨ સમાપન ✨

આ આશ્રમ માત્ર સત્સંગનું સ્થાન નથી, પરંતુ આત્મજ્ઞાનની યાત્રાનું દ્વાર છે। જે અહીં આવે છે, તે માત્ર સાંભળીને નથી જતા—પણ પોતાને ઓળખવાનો માર્ગ લઈને પાછો જાય છે। આશ્રમ જ્ઞાનનું ગૃહ છે, સેવાનો કેન્દ્ર છે, અને ગુરુદેવ આ સમગ્ર પ્રકાશયાત્રાના હૃદય છે।