પરમહંસ સ્વામી સદગુરુદેવ શ્રી ભુરાનંદજી મહારાજ

પરમહંસ સ્વામી સદગુરુદેવ શ્રી ભુરાનંદજી મહારાજ

પરમહંસ સ્વામી સદગુરુદેવ શ્રી ભુરાનંદજી મહારાજ એક દિવ્ય મહાપુરુષ એવા સિદ્ધ સંત હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન માનવજાતના કલ્યાણ તથા આત્મજ્ઞાનના પ્રચાર માટે સમર્પિત કર્યું હતું. બાળપણથી જ તેમની અંદર આધ્યાત્મિકતા પ્રત્યે ઊંડી લાગણી અને ભગવાન પ્રત્યે અખંડ ભક્તિ જોવા મળતી હતી. હિમાલયમાં કોઈ મહાન સંત મહાપુરુષનો ભેટો થયો અને એમના આશીર્વાદ અને કૃપાથી તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને આત્મસાક્ષાત્કારનો દિવ્ય માર્ગ પ્રાપ્ત કર્યો.
માત્ર 17 વર્ષની નાની વયે જ તેમણે હરિદ્વારની પવિત્ર ભૂમિ પર સંન્યાસ દીક્ષા ધારણ કરી અને પોતાનું જીવન લોકકલ્યાણ તથા આત્મજ્ઞાનના પ્રચાર માટે અર્પણ કરવાનો સંકલ્પ કર્યો. ત્યારબાદ તેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પધાર્યા અને ગામે ગામે વિચરણ કરીને સત્સંગ, ભજન અને આધ્યાત્મિક ઉપદેશ દ્વારા લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવાનું કાર્ય શરૂ કર્યું.
તેમની આ પવિત્ર સેવા યાત્રા દરમિયાન વર્ષ 1977 માં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આજુબાજુ ના ગામોમાં gyan ધર્મ નો પ્રચાર કરતા ત્યારે કુંવારવા ગામના ભક્તો અને ગામજનોના સહયોગથી વર્ષ 1980 માં કુંવારવા ગામ માં નિવાસ સ્થાન માટે એક નાનકડી કુટિયા બનાવી. આ નાનકડા સ્થાનથી જ એક દિવ્ય આધ્યાત્મિક પ્રવાહ શરૂ થયો. અહીંથી સતત ભજન, સત્સંગ અને આત્મજ્ઞાનના ઉપદેશ દ્વારા અસંખ્ય લોકોના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ પ્રગટ્યો. સમયાંતરે અહીં અનેક આધ્યાત્મિક કાર્યક્રમો અને સત્સંગો યોજાતા રહ્યા, જેમાં દૂર દૂરથી ભક્તો જોડાતા રહ્યા.
આ જ સેવાકીય કાર્યને વધુ વ્યાપક બનાવવા અને વધુ લોકો સુધી આત્મજ્ઞાનનો સંદેશ પહોંચાડવા માટે વર્ષ 2003માં *“શ્રી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાન ટ્રસ્ટ”*ની સ્થાપના કરવામાં આવી. અને દર પૂર્ણિમા એ ભક્તો દ્વારા ભોજનપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવતી અને ભજન સત્સંગ ના કાર્યક્રમો શરૂ થયા અને સાથે સાથે ગુરુદેવ એ નાની નાની ગાયની 4-5 વાછરડીઓ ઓ લાવી અને તેમની સેવાનું કાર્ય પણ શરૂ કર્યું જે સંખ્યા વધીને આજે 150 ગાયમાતા છે અને સુંદર ગૌશાળા પણ બનાવી.
સદગુરુદેવ અત્યંત દયાળુ, કરુણાસભર અને લાગણીશીલ સ્વભાવ ધરાવતા હતા. તેઓ દરેક જીવ પ્રત્યે સમભાવ રાખતા અને દરેકના દુઃખને પોતાનું દુઃખ સમજી લોકોના કષ્ટો દૂર કરવા હંમેશા તત્પર રહેતા. તેમના પ્રેમાળ સ્વભાવ, કરુણા અને દિવ્ય વાણીથી અસંખ્ય ભક્તોના જીવનમાં આશા, શાંતિ અને આધ્યાત્મિક માર્ગનો પ્રકાશ પ્રગટ્યો. અનેક લોકોએ તેમના આશીર્વાદથી જીવનના સંકટો અને દુઃખોમાંથી મુક્તિ અને શાંતિનો અનુભવ કર્યો..
આમ,સદગુરુદેવે પોતાની અખંડ સાધના, તપ અને દિવ્ય આધ્યાત્મિક શક્તિ દ્વારા આ આશ્રમની સ્થાપના કરી, જે આજે પણ ભક્તો માટે ભક્તિ, શાંતિ અને આત્મજ્ઞાનનું પવિત્ર ધામ બની રહ્યું છે. તેમણે પોતાના જીવન દ્વારા પ્રેમ, દયા, સેવા અને સમભાવનો ઉત્તમ આદર્શ સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યો.
વર્ષ 2021માં સદગુરુદેવે આ આશ્રમનો કાર્યભાર તથા સદગુરુદેવનો જ્ઞાનમાર્ગ તેમના સદશિષ્ય શ્રી મહાત્મા કરુણાનંદજી મહારાજને સોંપ્યો અને પોતાની દિવ્ય લીલાઓ સંકેલી. તેમ છતાં આજ પણ આશ્રમમાં તેમની પવિત્ર ઉપસ્થિતિ અને દિવ્ય ઊર્જાનો અનુભવ ભક્તોને થાય છે. તેમના આશીર્વાદ અને કૃપાથી આજે પણ અસંખ્ય ભક્તોના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ પ્રગટે છે અને તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે.