
પરમ પૂજ્ય સદગુરુદેવના અનુગામી અને સદશિષ્ય શ્રી મહાત્મા કરુણાનંદજી મહારાજ એક કરુણાસભર, દયાળુ અને અત્યંત પ્રેમાળ સંતપુરુષ છે, જેમણે સદગુરુદેવના દિવ્ય સંકલ્પ—આત્મજ્ઞાનના પ્રચાર—ને પોતાના જીવનનું એકમાત્ર ધ્યેય બનાવી દીધું છે. તેઓ રાતદિવસ અવિરત સેવા, સત્સંગ અને આધ્યાત્મિક માર્ગદર્શન દ્વારા અસંખ્ય જીવનોને સ્પર્શી રહ્યા છે.
વર્ષ 2008માં તેઓ સદગુરુદેવના ચરણોમાં પધાર્યા અને તેમના આશીર્વાદથી સંન્યાસ દીક્ષા ધારણ કરી. તે ક્ષણથી જ તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ગુરુસેવા, સાધના અને આત્મજ્ઞાનના પ્રચાર માટે સમર્પિત કરી દીધું. સદગુરુદેવના માર્ગદર્શન હેઠળ તેમણે આત્મજ્ઞાનના તત્ત્વોને આત્મસાત કરી, જીવનમાં ઉતારી અને તેને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું.
સદગુરુદેવના આશીર્વાદથી તેમણે માત્ર આધ્યાત્મિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ સમાજસેવાના અનેક ક્ષેત્રોમાં પણ અદભૂત કાર્ય કર્યું છે. હરિદ્વારની પવિત્ર ગંગા નદીના કિનારે હરતું-ફરતું અન્નક્ષેત્ર સેવા શરૂ કરીને તેઓ રોજિંદા જીવનમાં માનવતાનું જીવંત ઉદાહરણ પ્રસ્તુત કરે છે, જ્યાં જરૂરિયાતમંદ અને ભૂખ્યા ગરીબોને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે.
તેમનો કરુણાભાવ માત્ર માનવમાત્ર સુધી મર્યાદિત નથી; આશ્રમમાં નિર્દોષ પ્રાણીઓ પ્રત્યે પણ તેઓ સમાન પ્રેમ દર્શાવે છે. દરરોજ અબોલા જીવ શ્વાનો માટે આશ્રમ માં રોટલા બનાવડાવી ખવડાવવાની સેવા તેમની નિઃસ્વાર્થ ભાવનાનું પ્રતિબિંબ છે. ઉપરાંત, હિન્દુ તહેવારોના પ્રસંગે ગામના બાળકોને ઉપહાર વિતરણ, પર્યાવરણ જાળવણી, પશુ સુરક્ષા અને યુવાનોને વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપવા માટે વિવિધ કેમ્પોનું આયોજન કરીને તેઓ સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.
પ.પૂ.શ્રી મહાત્મા કરુણાનંદજી મહારાજ એક પ્રખર કથાવાચક તરીકે પણ પ્રસિદ્ધ છે. તેઓ શિવપુરાણ, ભાગવત કથા અને રામકથા જેવી પવિત્ર કથાઓને સરળ, જીવંત અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરીને ભક્તોના હૃદયમાં ભક્તિ અને જાગૃતિનો દીપ પ્રગટાવે છે. સદગુરુદેવ પછી તેમણે પણ સમાન પ્રેમ, સ્નેહ અને માર્ગદર્શન આપીને અસંખ્ય લોકોને જીવનમાં નવી દિશા પ્રદાન કરી છે.
વિશેષ વાત એ છે કે તેમણે પોતાની આ નિરંતર સેવાયાત્રા દરમિયાન જ આધ્યાત્મિકતા સાથે શિક્ષણનું પણ સમન્વય સાધ્યું છે. તેમણે આયુર્વેદિક વૈદ્ય તરીકેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેમજ કાયદાની ડિગ્રી પણ હાંસલ કરી છે—જે દર્શાવે છે કે સેવા અને સાધનાની સાથે જ્ઞાનની સિદ્ધિ પણ શક્ય છે. તેઓ આધુનિક યુગની જરૂરિયાતોને સમજતા, આત્મજ્ઞાનને આધ્યાત્મિકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે જોડીને લોકો સુધી પહોંચાડી રહ્યા છે, જેથી આજના યુગનો માનવ સરળતાથી તેને સ્વીકારી શકે.
તેમના માર્ગદર્શન હેઠળ અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેઓ માત્ર ઉપદેશ નથી આપતા, પરંતુ પોતાના જીવન દ્વારા જ એક જીવંત ઉદાહરણ બની, લોકોને જીવનને સફળ, શાંત અને અર્થપૂર્ણ બનાવવાનો માર્ગ દર્શાવે છે.
આજે તેઓ સદગુરુદેવના આશીર્વાદથી આશ્રમના કાર્યને આગળ વધારી રહ્યા છે અને આત્મજ્ઞાન, સેવા, પ્રેમ અને કરુણાનો સંદેશ સમગ્ર સમાજમાં પ્રસરી રહ્યો છે. આજે તેઓ સ્વયં સદગુરુ સ્વરૂપે દરેક ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે અને અસંખ્ય જીવનો માટે આશા, શાંતિ અને આધ્યાત્મિક માર્ગના પ્રકાશરૂપ બની રહ્યા છે.તેમનું જીવન ગુરુભક્તિ, સમર્પણ અને માનવસેવાનું એક પ્રેરણાદાયક પ્રતિક છે.
આમ આજે પણ ગુરુ ગાદીપતિ તરીકે સદગુરુદેવ શ્રી કરુણાનંદજી મહારાજ ભક્તોને આત્મજ્ઞાનનો સાચો માર્ગ દર્શાવી રહ્યા છે અને ગુરુદેવના દિવ્ય સંકલ્પને સાકારરૂપ આપી રહ્યા છે.